top of page
Search
Writer's pictureDr.Vijay Manu Patel

વિદ્યાર્થીઓની નકારાત્મક સ્થિતિનું માસ પ્રમોશન હોય?!

Updated: May 9, 2021

મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે: ઓફલાઈનનું ઠેકાણું પડતું નથી ને ઓનલાઇન રસહીન થતું જાય છે! આવા ઉદગાર એક વડીલ મિત્રના મુખેથી નીકળ્યા હતા. પોતાના સંતાનના શિક્ષણની ચિંતા કરતા એક વાલીશ્રીએ ફોન ઉપર સંપર્ક સાધ્યો હતો ત્યારે મને કાવ્યાત્મક શૈલીમાં પોતાની વાત આ શબ્દો દ્વારા સંભળાવી હતી. એમની ચિંતા અભ્યાસની તો હતી જ પણ એથીય વધુ સંતાનના બગડી રહેલાં સ્વભાવની હતી. છેલ્લા એક વર્ષથી વૈશ્વિક શિક્ષણમાં જે લોકડાઉન લાગ્યું છે તેનો સામૂહિક પ્રભાવ તેમના વિચારોમાં ડોકાઈ રહ્યો હતો.

વૈધિક શિક્ષણમાં વર્ષ બગડતું નથી, કેમ કે તેનો ઉકેલ તો સરકાર પ્રમોશનથી આપી દે છે (આપી દીધો છે!) પણ ઓનલાઇનના આંટાફેરામાં બાળકો-તરુણોની મનોસ્થિતિમાં જે ખલેલ પડી છે તેને ‘પ્રમોટ’ કરી શકાય ખરી?! શિક્ષણ ક્ષેત્રે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા શિક્ષકો, આચાર્યો અને સંચાલકો પાસે જો ચીલાચાલુ વિષય પૂરતું જ જ્ઞાન હશે તો આવનારા વર્ષોમાં એ ચાલવાનું નથી. કેમ કે, હવે પછીના સમયમાં વિદ્યાર્થીઓમાં શરીર-મન સાથે સંકળાયેલા નાદુરસ્તીના પ્રશ્નો વધી જવાના છે. આનો ઉકેલ જેમની પાસે મનોવિજ્ઞાનની જાણકારી અને ધીરજ હશે તેઓ જ આપી શકશે. શું આપણી શાળાઓ પાસે આવા માણસો છે ખરા?! જો નથી. તો સમસ્યાઓ વધવાની છે એ નક્કી માનજો.

સમગ્ર દિવસ દરમિયાન પાંજરારૂપી ઘરમાં જ વીતતા મોટાભાગના સમયને લીધે બાળકોએ શારીરિક કસરતો, પ્રવૃત્તિઓ અને રમતોથી વિમુખ થઈ જવું પડ્યું છે. સમૂહમાં રમાતી રમતો થકી જ જ બાળકો શરીર અને મનને ચુસ્ત અને સ્ફૂર્તિલુ રાખી શકે છે. રમતો અંગેના જુદા જુદા અવલોકનોનો સાર એ છે કે બાળકોની ઉંમર પ્રમાણે રમતની ચીજવસ્તુઓ ભલે બદલાય છે, પણ એનો હેતુ તો તેનો તે જ રહે છે! પ્રાથમિક કક્ષાનાં બાળકો લંગડી, ખોખો કે સાતતાળી જેવી રમતો રમે છે, જ્યારે માધ્યમિક શાળાના બાળકોને ક્રિકેટ, ટેનિસ, વોલીબોલ જેવી રમતો આકર્ષે છે. આ બધી રમતો બહારની એટલે કે મેદાન પર રમવાની છે અને છેલ્લા એક વર્ષથી મેદાનો જ સૂના પડી ગયા છે ત્યારે માત્ર ઘરની પરસાળ કે ઓરડાનું ક્ષેત્રફળ જ ક્રીડાંગણ બની ગયું છે.

હા, ઘરમાં બેસીને રમી શકાય તેવી શતરંજ, પત્તા, ચાઈનીઝ ચેકર્સ, કેરમ જેવી રમતો ખરી પણ આ બધામાં લોકપ્રિય છે કમ્પ્યુટર અને મોબાઈલની રમતો. અને ચિંતાનો વિષય પણ આ ઇલેક્ટ્રોનિક સાધનો બન્યા છે! આ સાધનોએ બાળકોના શરીરને ‘સ્થિર’ અને મગજને ‘અતિ ચંચળ’ બનાવી મૂક્યા છે. અહીં જ વાલીઓ અને વડીલો સૌથી વધુ ચિંતિત બન્યા છે. વર્તમાન સ્થિતિમાં વાલીઓ અને સંતાનોની સ્થિતિ એક સરખા જેવી જ છે. માંદગી, આવકની અનિશ્ચિતતા, સામાજિક પ્રવૃત્તિઓમાં અસાધારણ કાપ જેવી સ્થિતિમાં વડીલો સંઘર્ષ કરી રહ્યા છે, તો બીજી તરફ સંતાનો સતત ‘પાંજરાના પોપટ’ ની વ્યથા કે બંધિયારપણું અનુભવી રહ્યા છે.

કેટલાક બાળકો આવા સંઘર્ષમાં પોતાની જાતને સંભાળી લે છે અને અનુકૂળતા પણ કરી લેશે પરંતુ કેટલાક તો સામાન્ય સ્થિતિમાં પણ સંઘર્ષ પેદા કરી દેશે! તેઓ ઘર કે સમાજે સ્વીકારેલા ધોરણો સ્વીકારી શકતા નથી અને તેવા નિયમોનું ઉલ્લંઘન કરી દેશે. જો કે આનો મતલબ એવો નથી કે જે સંતાનો શાંત છે તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે. માનસિક રીતે સ્વસ્થ સંતાનો સાચા-ખોટાનો ભેદ પારખીને પોતાનો સલામત રસ્તો શોધી શકે છે પણ બીજા? પૈસા ચોરવા, ઉગ્રતાથી વાત કરવી, પોતાની જાતને ભણવામાંથી અલિપ્ત કરી દેવી, ધમકી આપવી વગેરે જેવી સમસ્યાઓ પેદા કરશે. આવા સંતાનોથી તો ઘરના વડીલો પણ ડરતા હોય છે!

ગામડામાં હજી આવા બાળકોને ભુત-ડાકણના વળગણમાં અપાવી દેવાતા હોય છે. શહેરમાં આવું નહિવત બને છે. શિક્ષિત વાલીઓ આવા વર્તન પાછળના કારણો શોધે છે અથવા મનોચિકિત્સકના માર્ગદર્શનથી સમસ્યા ઉકેલી શકતા હોય છે. આર્થર જોર્ડન પોતાના પુસ્તકમાં બાળકોના આવા વર્તન માટે વડીલો દ્વારા થતી અવગણના, હાંસી, અપમાન, બેદરકારીને જવાબદાર ગણાવે છે. આને કારણે સંતાનોમાં ક્યાં તો લઘુતા (ભય) વિકસે છે, ક્યાં તો ગુરુતા (આક્રોશ) જન્મે છે. હાલમાં કુટુંબોની વેરવિખેર થયેલી આર્થિક-સામાજિક વ્યવસ્થામાં સંતાનો પોતે જ બિન અસલામતીની ભાવના અનુભવે છે એવામાં જો કુટુંબના બીજા સભ્યો સાથે ખોટી સરખામણી કરવામાં આવે તો માનસિક સ્વાસ્થ્ય વધુ જોખમાય છે.

આર્થર જોર્ડને પોતાના પુસ્તકમાં એવા કેટલાંક લક્ષણોને યાદી આપી છે જે સાંપ્રત પરિસ્થિતિમાં પોતાના સંતાનની સમસ્યાને સમજવામાં ઘણી ઉપયોગી થઈ શકે તેમ છે તેથી તેને અહીં મુકૂ છું. જો સંતાનમાં વારંવાર આવા પ્રકારના વર્તનને દેખાય તો સભાન થઈ જવું અને યોગ્ય પગલાં લેવા જ 1) તાણ અને બેચેનીમાં આંટા મારે 2) પગના તળિયા કે હાથની આંગળીઓ વડે સતત તાલ આપે. 3) ચહેરાથી ચાળા કર્યા કરે 4) બોલવામાં તોતડાય 5) નખ કરડ્યા કરે 6) ગભરાટ અનુભવે 7) ઊંઘમાં અનુભવે 8) પથારીમાં પાસા બદલ બદલ કરે 9) ડરના સપના આવ્યા કરે 10) ઊંઘમાં બબડે કે ચાલે તથા 11) વારંવાર ઊલટીઓ થાય.

તરુણાવસ્થા સુધીનો શારીરિક વિકાસ નલિકારહિત ગ્રંથિઓના રસના સ્ત્રાવ પર પણ નિર્ભર છે એટલે આવા સંતાનોમાં શારીરિક પરિવર્તનોની સાથે જે માનસિક પરિવર્તનો ઉદ્ભવે છે તેનાથી કેટલીક મૂંઝવણો જન્મતી હોય છે. જેમ કે, જાતીય આવેગોમાં કેવી શિષ્ટતા જાળવવી. વિજાતીય વ્યક્તિની હાજરીમાં કેમ બોલવું, એકબીજાને કેવી રીતે ખુશ કરવા વગેરે. જો ઘરમાંથી સંસ્કારી તાલીમ મળી હોય તો આવા આવેગોનું ઊર્ધ્વીકરણ વ્યક્તિને નવી દિશા આપી શકે છે. જ્યારે આવું ન થાય તો એવી વ્યક્તિ ભય, ગુનાવૃત્તિ, આત્મહત્યા કે ગેરકાયદેસર પ્રવૃત્તિ તરફ ધકેલાય છે. આવનારા દિવસોમાં આવી પરિસ્થિતિને સંભાળનારાઓની માંગ રહેશે જ કેમ કે, અસ્વસ્થ બાળકોને વધુ અસ્વસ્થ બનાવનારા વડીલો, શિક્ષકો અને વાલીઓની સંખ્યા સમાજમાં વધારે છે!

સંતાન કે બાળકોમાં અંગત રસ લઈને તેના વિકાસમાં આવતાં માનસિક કે સામાજિક નડતરોને પારખીને દૂર કરવાના પ્રયત્નો કરવાને બદલે અણઘડ લોકો તેને ધાક-ધમકી, હિંસા કે પક્ષપાતભર્યા વલણથી વધુ બહેકાવતાં હોય છે. એટલે જ મેં અગાઉ કહ્યું છે કે આવનારા વર્ષોમાં જે તે શાળાકીય વિષયનું જ્ઞાન થોડું ઓછું હશે તો ચાલશે, પણ ધીરજ, સહાનુભૂતિ અને સહકારની ભાવનાવાળા શિક્ષકો-વાલીઓ દેવદૂત સાબિત થશે.

બાળકના ઘર્ષણયુક્ત વર્તન માટે ઘણુંખરું વાલીઓ (કે ઘર) જવાબદાર હોય છે. અને છેલ્લા એક વર્ષની પરિસ્થિતિમાં જ્યારે શાળાઓ બંધ રહી છે ત્યારે તેમાં બિલકુલ જ ઘરની ભૂમિકા મહત્ત્વની બની છે. સંતાનોમાં આત્મવિશ્વાસ પ્રગટે, તેમની મનો-શારીરિક સમસ્યાનું તજજ્ઞો દ્વારા સમાધાન મેળવાય, તેમની જરૂરિયાતોને યોગ્ય ન્યાય મળે અને ઘવાયેલા અહમને રૂઝવે એવો વિનમ્ર વ્યવહાર અપનાવાય તો આવનારો સમય એટલો કષ્ટદાયક નહીં રહેશે જેટલી આપણા મનમાં શંકા છે.

સ્વ. મરીઝની પ્રેમ વિશેની એક પંક્તિ યાદ આવે છે: બધો આધાર છે એના જતી વેળાના જોવા પર, મિલનમાંથી નથી મળતા મહોબ્બતના પુરાવા! એમની આ વાત તો પ્રેમની ખાતરી અને વિશ્વાસના સંદર્ભમાં હતી પણ એનો મર્મ જો આજની પરિસ્થિતિમાં બાળકો અને તરૂણોને સાથે જોડીએ તો કહેવું જોઈએ કે, ‘બધો આધાર છે સંતાનો સાથેના પ્રેમ ભર્યા સંવાદ પર, મૌન દેખાતા ચહેરાઓથી નથી મળતા સ્વસ્થતાના પુરાવા!

આદિકાળથી માનવ વર્તનના અભ્યાસો અવિરત ચાલતા રહ્યા છે. નવા સંશોધનોને સમજવાનું કે વાંચવાનું સૌ કોઈનું કાર્યક્ષેત્ર નથી જ, છતાં તેના આધારો વિના મનની સમસ્યા ઉકેલવી આસાન નથી. તેથી શિક્ષણક્ષેત્રના સૌ કોઈને આ લેખ કઇંક અંશે અચૂક માર્ગદર્શનરૂપ નીવડશે એવી શ્રદ્ધા છે.

3 views0 comments

Comments


bottom of page